દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, ટ્રેજડી કિંગે 98 વર્ષની ઉંમરે દુનિયાને કહી અલવિદા

ખબરે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. મુંબઈની પી.ડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલીલ પારકરે આ બાબતે માહિતી આપી છે. દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ફરી એક વાર 29 જૂને તેમને મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ બોલિવૂડ ઉપરાંત તેમના પ્રશંસકો પણ ઉદાસ થઈ ગયા છે.

દિલીપ કુમારના ડૉક્ટર જલીલ પારકરે તેમના નિધનના સમચારને કન્ફર્મ કર્યા છે. દિલીપ કુમારની દફનવિધિ આજે મુંબઈના સાંતાક્રૂઝ કબ્રસ્તાનમાં કરવામાં આવશે. દિલીપ કુમારને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની પત્ની સાયરા બાનુ સતત પ્રશંસકોને તેમની હેલ્થ વિશે અપડેટ શૅર કરતાં રહેતાં હતા. થોડા દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે હવે દિલીપ કુમારને ફરી એક વાર દુવાઓની જરૂર છે.

દિલીપ કુમારના પારિવારિક મિત્ર ફૈજલ ફારૂખીએ ટ્વીટર પર નિધનની જાણકારી આપી. તેમણે લખ્યું કે, ખૂબ ભારે હૃદયે એ કહેવું પડી રહ્યું છે કે હવે દિલીપ સાબ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ વધુમાં લખ્યું કે, આપણે ઈશ્વરના કારણે છીએ અને તેમની તરફ પરત જઈ રહ્યા છીએ.

પેશાવરના યુસુફ જે બન્યા બોલિવૂડનો ટ્રેજેડી કિંગ

11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના પેશાવરમાં જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. યુસુફ ખદાને પોતાનો અભ્યાસ નાસિકમાં કર્યો હતો. રાજ કપૂર તેમના નાનપણથી જ દોસ્ત બની ગયા હતા. લગભગ 22 વર્ષની ઉંમરે જ દિલીપ કુમારે પહેલી ફિલ્મ મળી હતી. 1944માં તેઓએ ફિલ્મ ‘જ્વાર ભાટા’માં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બહુ ચર્ચામાં નહોતી આવી.

દિલીપ કુમારે લગભગ પાંચ દશકની ફિલ્મી કારકિર્દીમાં 60થી વધુ ફિલ્મો કરી હતી. દિલીપ કુમારે પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મો ઠુકરાવી દીધી પણ હતી, કારણ કે દિલીપ કુમારનું માનવું હતું કે ફિલ્મો ઓછી સરવી એ સારી બાબત છે. પરંતુ દિલીપ કુમારને અફસોસ હતો કે તેઓ પ્યાસા અને દીવારમાં કામ ન કરી શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *